વિજયવર યુતં વૈ સવૅદા દ્વૈતવાદે
અવનિતલ મહેશં લીંબડી લબ્ઘ જન્મમ્ |
સકલ ગુણીગુણજ્ઞ નૌમિ નારાયણત્વમ્
જગદ્ ગુરૂ શિવાખ્યં શ્રી જગન્નાથ તીથૅમ્ ||
શ્રી જગન્નાથ તીર્થ સ્વામીજી જેઓનું
પૂવૉશ્રમનું નામ વૈજનાથ મોતીરામ ભટ્ટ હતું. જેઓના જન્મ વિક્રમ સંવત ૧૯૧૪ના
અષાઢ સુદ નોમને સોમવારે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ગામમાં
સંસ્કારી અને ધર્મપરાયણ બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. બાળપણમાંજ પિતાજીની
સાથે સંધ્યા-પૂજાના નિત્યક્રમમાં સાથે રહેતા.
આકઙાના ગણપતિ,હનુમાનજી,માં
કાલિકા,શાલીગ્રામ વગેરે દેવોની સેવાપૂજામાં તલ્લીન થઈ જતા.તેઓએ ભોજપત્ર પર
શ્રીયંત્ર પણ સિધ્ધ કરેલ. પુત્રની આવી ધાર્મિક વૃત્તિઓ જોઈને મોતીરામે
તેમને બ્રહ્મવિધા શિખવવાનો આરંભ કર્યો. તેમની પાસે શ્રી ગણપતિ પુરશ્વરણ
કરાવ્યું. ત્યારબાદ બાબા ત્રિપુરા- સુંદરીનું પુરશ્વરણ કરાવ્યું. પિતાજીને
પુરો સંતોષ આપ્યો.
એક દર્શન અનુસાર જેણે ઇચ્છા છોડી તેને
ઘર છોડવાની જરૂર નથી અને જે ઇચ્છાનો દાસ છે તેને વનમાં રહેવાથી શો લાભ?
સાચો ત્યાગી જ્યાં રહે ત્યાંજ વન-જંગલ બને છે અને તેજ પ્રભુ ભજનની કંદરા
છે.
વૈજનાથજીએ અભ્યાસ, રમત-ગમત, નોકરી,
હુન્નર ઉધોગ વગેરે કર્યા.સાથોસાથ કર્મકાંડ અને યોગાભ્યાસ પણ ચાલુ રાખ્યા.
તેઓશ્રી લીંબડી ઠાકોર સાહેબના દરબારગઢમાં આવેલ અંક્લેશ્ર્વર મહાદેવની
સેવાપુજા કરતા અને ત્યાં તેઓએ ભૈરવની સાધના કરી, વધારે યોગ સાધના માટે
ઠાકોર સાહેબે મંદિર પાસે જ્યાં દરબારગઢના કાંગરા દેખાય છે ત્યાં લાક્ડાના
મેડા જેવી ગુફા બનાવી આપી. તેઓશ્રી યોગમાં ખુબ જ આગળ વધતા ગયા. એ અરસામાં
સ્વામી વિવેકાનંદજી પણ મહારાજશ્રીના દર્શને લીંબડી પધારેલા. બંન્ને એ એક જ
આસને આ ગુફામાં ઘણો બધો સમય ચર્ચા કરેલી. અત્યારે આ મંદિર પાસેના ચોક્ને
વિવેકાનંદ ચોક નામ આપેલ છે. અને ત્યાં વિવેકાનંદજીની પ્રતિમા મુકવામાં આવેલ
છે.
ધીરે-ધીરે તેમની સંસારીમાંથી સન્યાસી
થવાની લગની લાગી, યોગ્ય ગુરુની શોધમાં ભારતભ્રમણ શરુ કર્યું. યોગનુંયોગ
તેઓશ્રી જગન્નાથપુરી ગોવર્ધન મઠ પહોંચ્યા. ત્યાનાં શંકરાચાર્ય
ગોવર્ધન-મઠાધીશ શ્રી ૧૧૧૧ શ્રી શંકર મધુસુદન તીર્થ સ્વામીજી મહારાજને
વિનંતી કરી કે આપ મારા પરમગુરુ પદે રહી દીક્ષા આપો. પુરીના મઠાધીશે સંસાર
વિશે, માતા-પિતા, પરિવાર જગત વિશે પ્રશ્નો પૂછ્યા. વૈજનાથજીએ નમ્રભાવે
વિવેકપૂર્ણ સંતોષકારક જવાબો આપ્યા. શંકરાચાર્ય ખુશ થયા અને કહ્યું તમારી
ઈચ્છા હશે તો હું દીક્ષા આપીશ.
જેઠ સુદ એકમને દિવસે ક્ષૌરકર્મ કરાવ્યું.બીજને દિવસે હોમ આદિ કર્મો કરાવ્યા.ત્રીજાને દિવસે યોગપટ ધારણ કરવા આજ્ઞા આપી.પછી ગુરુમંત્ર આપી દિક્ષા આપી અને વૈજનાથજી નામ બદલીને શ્રી શંકર જગન્નાથ તીર્થ સ્વામીજી રાખ્યું.થોડાજ સમયમાં તેમની કાર્યદક્ષતા જોઇને શ્રી શંકર જગન્નાથ તીર્થ સ્વામીજીને પોતાના ઉત્તરાધિકારી(પટ્શિષ્ય)તરીકે નિમણુંક કરી.
૧૯૧૧માં દિલ્હી પંચમ જ્યોર્જનો રાજ્યાભિષેક થવાનો હતો. બધા જ ધર્મગુરુઓ જ્યોર્જને આશીર્વાદ આપી પાછા ફરતા હતાં. જગન્નાથ તીર્થ સ્વામીજીનો વારો આવ્યો. સિંહાસન સુધી જઈ ડાબા હાથના અંગુઠા વડે રાજતિલક કરી આશીર્વચનો બોલ્યા. હિંદુ પંડિતોના ધ્યાનમાં આ વાત આવી પણ ત્યાં કોઈ બોલ્યા નહીં. આશ્રમ જઈને પૂછ્યું તો કહે "શું તમે ચાહો છો કે બ્રિટીશ રાજ્ય ભારતમાં કાયમ રહે? જો જમણાં હાથે તિલક કરું તો રાજ્ય કાયમ રહે માટે મેં જાણીને ભૂલ કરી છે તો તમે ક્ષમા કરશો" આટલા દૂરંદર્શી હતાં.
શ્રી જગન્નાથ તીર્થ સ્વામીજીનું શરીર સૌરાષ્ટ્ર દેશનું હોવાથી પુરીના હવાપાણી માફક આવતા નહીં. નાનો સંસાર પણ બાધારૂપ લાગતો મઠના કારભાર તથા વ્યવસ્થામાં પ્રવૃત રહેવાથી યોગસાધનામાં આગળ નહીં વધી શકાય તેવા વિચારોથી મઠની ગાદીનો ત્યાગ કરી તેઓ સૌરાષ્ટ્ર પધાર્યા. ધર્મ-પરિભ્રમણ કરતા તેમને અનેક શિષ્યો બનાવ્યા તેમાંથી ત્રણ ધર્મગુણ સંપન્ન શિષ્યોને દિક્ષા આપી.
(૧).અમરેલી પાસેના ઉમરાળા ગામના શ્રી મયાશંકર નરભેરામ જોષી...શ્રી દત્તપ્રકાશજી...
(૨).સુરત પાસેના દીહેણ ગામના શ્રી જમીયતરામ જીવણરામ ભટ્ટ...શ્રી શિવપ્રકાશજી...
(૩).મુંબઈથી મુળ દીહેણનાજ વતની શ્રી જયશંકર તુળજાશંકર ભટ્ટ...શ્રી વિષ્ણુપ્રકાશજી...
આ ઉપરાંત શ્રી ભાવપ્રકાશજી-લખતર અને શ્રી સોમેશ્વર તીર્થ સ્વામીજી-કડી તેમના શિષ્યો હતા. શ્રી વિષ્ણુપ્રકાશજીના શિષ્ય મુકુંદપ્રકાશજી હતા.
શ્રી જગન્નાથ તીર્થ સ્વામીજીને પોતાની અંતિમ ક્ષણોનો ખ્યાલ આવી જતાં ત્રણેય શિષ્યો તથા ભક્ત સમુદાયને આખરી ઉપદેશ આપ્યો અને પોતે 'શક્તિપાત' કરેલ શ્વેતરંગનું શિવલીંગ પુજનાર્થે આપી સંવત ૧૯૭૨ નાં આસોવદ અગિયારસને રવિવારે સમાધિસ્થ મુદ્રામાં બ્રહ્મલીન થયાં.
લીંબડી નદીના કાંઠે ભટ્ટની વાડીમાં સમાધિ કરવામાં આવી. 'શક્તિપાત' કરેલ શિવલીંગ પુજનાર્થે આપેલ તેની પ્રતિષ્ઠા કરી,નાનું શિવાલય વિ.સં ૧૯૭૮ માં બાંધવાનું શરુ કર્યું. વિ.સં ૧૯૭૯ ના વૈશાખ સુદ પૂર્ણિમાએ સંપૂર્ણ થયું. ભક્ત સમુદાય અને દર્શનાર્થીઓનો પ્રવાહ વહેવા લાગ્યો. ત્રણેય શિષ્યોની પ્રેરણા અને ભક્તોના સહકારથી આ જ જગ્યા પર આરસના દ્વારવાળું ભવ્ય શિવાલય સુવર્ણકળશ ધ્વજારોપણની વિધિ સાથે વિ.સં ૧૯૯૪ ના ફાગણ વદ પાંચમને સોમવારે પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો. જે આશ્રમ ભારતભરમાં 'જગદીશ આશ્રમ' કે 'શ્રી જગન્નાથ તીર્થ સ્વામીજી આશ્રમ' ના નામે પ્રખ્યાત છે.
શ્રી જગદીશ આશ્રમમાં નિજમંદિરમાં ગણપતિ, હનુમાનજી, ચંડ, પોઠીયો-કાચબો
, શિવ-પાર્વતી, ગંગામૈયાની મૂર્તિઓ છે. શંકરના મંદિરનો પ્રશાદ તપોધન બ્રાહ્મણ તથા અતિથિ બાવા સિવાય કોઈએ ગ્રહણ કરાય નહીં. શ્રી જગદીશ આશ્રમ શંકરનું મંદિર હોવા છતાં તેનો પ્રસાદ લેવામાં કોઈ બાદ નથી કારણકે એ થાળ પર ચંડની દ્રષ્ટિ પડે છે. જે શાસ્ત્રોક્ત પ્રમાણ છે.
શ્રી શંકર જગન્નાથ તીર્થ સ્વામીજીની પાદુકા તથા મૂર્તિ તેમના નિત્યકર્મના સાધનો, વસ્ત્રો, વાસણો, તેમના હસ્તાક્ષર તેમજ અપ્રાપ્ય ધાર્મિક પુસ્તકો હાલ સંગ્રહિત છે.
શ્રી દત્તપ્રકાશજીનાં સાધનાખંડમાં ભોયરું, ગુરુ મહારાજની ચાખડી, ગણપતિ, શિવલીંગ, શાલીગ્રામ યંત્ર દર્શનીય છે.
શ્રી વિષ્ણુપ્રકાશજીનાં સાધનાખંડમાં ભોયરું, શિવપુરાણ પગપેટી-યંત્ર-આસનોના ફોટા દર્શનીય છે.
શ્રી શિવપ્રકાશજીનાં સાધનખંડમાં ભોયરું, પાદુકા દર્શનીય છે. બાજુમાં અન્નપુર્ણા ભવન અને યાત્રાળુઓ-ગુરુભકતો માટે નિવાસ વ્યવસ્થા છે. જ્ઞાનમંડપ કે જ્યાં ચાતુર્માસ કથા વંચાય છે. અહીં દુર્ગાદેવીની
મૂર્તિ છે. આ મૂર્તિને કીંમતી ગણીને બ્રિટીસરો ઈંગ્લેન્ડ લઇ ગયા હતા. કઈ ધાતુ છે તે તપાસવા જમણા હાથની પહેલી આંગળી ખંડીત કરી હતી. ત્યાં ખરાબ પરિણામ આવતા મૂર્તિ પરત મોકલવાની સુચના થઇ. સ્ટીમરમાં કલકત્તા ઉતારવામાં આવતા તે રસીદમાં નોંધાયેલ વજન ૫૪ બેંગાલી મણ છે. ત્યાંથી રાજકોટ-સુરેન્દ્રનગર-લીંબડી લાવવામાં આવી. જગદીશ આશ્રમમાં ક્રેઈંન દ્વારા અહીં મૂકવામાં આવી.
શ્રી શિવપ્રકાશજીએ આ મૂર્તિનું નામ દુર્ગાદેવી આપ્યું. આ મૂર્તિની કોઈ કુંવારી કન્યાનું સગપણ ન થતું હોય તે બધા રાખે કે માતાજીને ચુંદડી ચડાવીશ... તેનું કામ સફળ થાય છે. માતાજીને એક ચુંદડી એક જ વખત ઓઢાડવામાં આવે છે.
માતાજીની પાસેની બાજુ ગુરુમહારાજનું કેનવાસ પર દોરેલું મોટું પેઈન્ટીંગ
છે. જે જામનગર સ્ટેટના પેઈન્ટર અને ગુરુ મહારાજના ભક્ત શ્રી કેશવરામ સદાશીવ કારખાનીશે વિક્રમ સંવત ૧૯૯૧ એટલે કે સને ૧૯૩૫ માં વિજયાદશમીને દિવસે બનાવેલ છે. જેનાં તમે ગમે તે તરફથી દર્શન કરો તે તમારી તરફ હોય તેવું લાગે છે. ફક્ત એક જ રાતમાં આ પોસ્ટર બનાવેલ છે. ત્યાર પછી પોતાની પીછી કોઈ કામ માટે ઉપાડેલ નથી.
આશ્રમમાં સદાવ્રત અન્નક્ષેત્ર, ધાર્મિક કાર્યો અને સેવા કાર્યો થાય છે. અષાઢ સુદ પુનમે ગુરુપૂર્ણિમા તથા આસો વદ અગિયારસને ગુરુ મહારાજનો આરાધના મહોત્સવ તથા મહાશિવરાત્રી જેવા ઉત્સવો ઉજવાય છે. ભારતભર અને વિદેશ વસના ગુરુભક્તો અને શ્રદ્ધાળુઓ આ પાવન પ્રસંગોએ પધારી દર્શન-કૃપાથી પાવન થાય છે.
"સાનુકુલે જગન્નાથે સાનુકુલમ્ જગત્રયમ્
પ્રતિકુલે જગન્નાથે પ્રતિકુલમ્ જગત્રયમ્"
|જય જગદીશ|