Showing posts with label Nearest Visiting Places. Show all posts

An amazing places of Surendranagar District





સુરેન્દ્રનગર જીલ્‍લાના જોવાલાયક સ્‍થળો.....

વઢવાણ

 સુરેન્‍દ્રનગરથી ત્રણેક કિ.મી. ના અંતરે ૪૫૦ વર્ષ પુરાણું વડવાળા મંદિર આવેલું છે. જ્યાં સમગ્ર ગુજરાતમાંથી રબારીઓ દર્શનાર્થે આવે છે. વઢવાણથી ચૌદ કિ.મી. ના અંતરે દેદાદરા ગંગવો કું ડ આવેલો છે. આ ચાલુક્ય કાળનો હોવાની માન્‍યતા છે. એ જ રીતે વઢવાણમાં સંવત ૧૯૬૯ માં બાંધવામાં આવેલા ગંગાવાવ પ્રાચીન વાવ છે. પ્રજા માટે પ્રાણ સમર્પણ કરી દેનાર વાઘેલા સોલંકી રાજા સારંગદેવ (ઇ.સ. અ ૧૨૭૫) ના મંત્રીશ્રી માધવના પુત્ર અને પુત્રવધુના સ્‍વૈચ્‍છિક બલિદાનની દંતકથા ધરાવતી માધાવાવ ઉપરાંત રામપરાની લાખાવાવ પણ જાણીતી છે.

દસાડા

એક જમાનામાં ગાઢ જંગલ દસાડા ગામની જગ્‍યાએ હતું. તેમાં વેજ આયરનો નેસ હતો. તેના નામ પરથી અહીં વેજાસર તળાવ આવેલું છે અને વેજનાથ મહાદેવનું સ્‍થાનક છે. દસાડા થી બારેક કિ.મી. ના અંતરે આવેલ પંચાસર વચ્‍ચેના વિસ્‍તારના જંગલમાં જયશિખરી રાજના કુંવર વિખ્‍યાત વનરાજ ચાવડાનો જન્‍મ થયો હતો. ઝીંઝુવાડાથી ૨૫ કિ.મી.ના અંતરે આવેલા વચ્‍છરાજબેટ, ઝીંઝુવાડાનો દરવાજો, રાજરાજેશ્વરી માતાનું મંદિર સવા ભગતનું પીપળીધામ, ઘુડખર અભયારણ્‍ય આ વિસ્‍તારમાં જાણીતા છે.

લખતર

 લખતર તાલુકામાં તલસાણા ગામે તલસાણીયા મહાદેવનું મંદિર વિઠ્ઠલગઢ ખોડીયાર મંદિર, વણાનું વટેશ્વર મહાદેવ, ગેથળા હનુમાનની જગજાણીતા સ્‍થાનકો છે.

લીંબડી

 લીંબડીથી લગભગ ૧૧ કિ.મી. આવેલ ભૃગુપુર ખાતે ભૃગુ ઋષિનું નિવાસ હોવાની વાયકા છે. અહીં આવેલ ગંગેશ્વર મહાદેવ પાસેની ગંગવો કુંડ, જસમા ઓડણનું મંદિર, રંગપુર ગામ પઢાર જાતિના લોકોએ બંધાવેલું. ઉત્‍ખનનમાં હડપ્‍પન, તથા ત્‍યારબાદની સંસ્‍કૃતિના અવશેષો મળ્યા હતા. ૧૧૦૦ વર્ષ પુરાણા શિયાણી ગામે પ્રાચીન જૈનતીર્થ આવેલું છે. લીંબડી શહેરમાં ગાંધી સ્‍મૃતિ મંદિર, કુલનાથ મહાદેવ, સૌરાષ્‍ટ્ર નિમ્‍બાર્ક પીઠ, રામકૃષ્‍ણ મિશન, કબીર આશ્રમ, જાખણનું ત્રિમૂર્તિ મંદિર, ચોકડી ચરમાળીયા મંદિર, નળ સરોવર અભયારણ્‍ય પ્રખ્‍યાત છે.

હળવદ

હળવદથી ૨૧ કિ.મી. દુર બ્રાહ્મણી નદીના કાંઠે વસેલાં રણકાંઠાના ટીકર (રણ) ગામમાં ઇ.સ. ૧૮૩૭ માં બંધાયેલા જૈન મંદિર, હળવદની દક્ષિણે ૧૬ કિ.મી. દૂર આવેલ કન્‍ડોલીયા બ્રાહ્મણોના કુળદેવી સમુદ્રી માતા (સુંદરી ભવાની) ના સ્‍થાનકમાં આવેલ પાંચ પાંડવો તથા શ્રીકૃષ્‍ણની અતિ પ્રાચીન મૂર્તિઓ ઉપરાંત સતીના પાળીયા, સામતસર તળાવના કાંઠે આવેલો એક દંડીયા લાકડાનો મહેલ, દાઉદી વ્‍હોરા મૌલાકાજીનું ધાર્મિક સ્‍થાન, ભવાની – ભૂતેશ્વર મહાદેવ ૫૦૦ વર્ષ પુરાણું છે. શરણેશ્વર મહાદેવ તથા તેની પાસેની વાવ અતિ પ્રાચિન છે.

સાયલા

ચોટીલાની પૂર્વે ૧૬ કિ.મી. ના અંતરે આવેલ ધાધલપુર ગામ બે વાતે વિખ્‍યાત છે. અણહીલવાડ પાટણના કરણદેવ સોલંકીના વિખ્‍યાત રાણી મીનળદેવી એક વાર ધોળકા જતા અહી રોકાયા હતા. અહીંના એક સિધ્‍ધસંતના દર્શન અને આશિર્વાદથી તેમને પુત્ર જન્‍મ થયેલો. અહીંનો કિલ્‍લો અને અડાળાનું તળાવ, ધુંધળીનાથ સંત, મિનળવાવ, સેજકપરનો નવલખો (શિવમંદિર) પ્રસિધ્‍ધ છે. તો સાયલાની લાલજી મહારાજની જગ્‍યા, રાજસોભાગ આશ્રમ, ડોળીયાનું ભવ્‍ય જીનાલય દર્શનીય છે.

ચોટીલા

રાષ્‍ટ્રીય ધોરી માર્ગ પર આવેલ ચોટીલા સૌરાષ્‍ટ્રનું મહત્‍વનું યાત્રાધામ છે. રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું જન્‍મસ્‍થાન છે. ચોટીલાથી અઢારેક કિ.મી. ના અંતરે દ્રૌપદીનો સ્‍વયંવર ત્રિનેત્રેશ્વર (તરણેતર) સ્‍થાને થયાની લોકવાયકા છે. જ્યાં જગ વિખ્‍યાત લોકમેળો ત્રિનેત્રેશ્વર મહાદેવના સાનિધ્‍યમાં ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠ્ઠના દિવસે યોજાય છે. આ વિસ્‍તારમાં જુના સુરજદેવળનું પ્રાચીન સૂર્ય મંદિર, ચોટીલાના દક્ષિણે કાંઠાની ટેકરીઓ આણંદપુરનું અનંતેશ્વર મહાદેવ, આણંદપુરનો નવલખો, ગુપ્‍તવાસ દરમ્‍યાન પાંડવોએ નિવાસ કર્યાની વાયકા છે તે ભીમ ગુક્ષ, ચોબારીની ચૌમુખી વાવ, કાટીયા મહાદેવ, કાળાસરના દંતકથા મહાદેવ અને મચ્‍છુમાતા, થાનનું વાસુકી મંદિર, અનસૂયા કુંડ ગેબીનાથનું ભોયરૂં, અવલીયા ઠાકર, બાવન હનુમાન જાગ્‍યા જાણીતા સ્‍થાનો છે. થાનનો સિરામીક ઉદ્યોગ જાણીતો છે.

મૂળી

મૂળી તાલુકામાં આવેલ દુધઇનું વડવાળા – મંદિર ૨૫૦ વર્ષ જૂનું રબારીઓનું યાત્રાધામ છે. બ્રહ્માનંદ સ્‍વામીએ બંધાવેલું સ્‍વામિનારાયણ મંદિર નકશીદાર હવેલી તેમજ માંડવરાયજીનું પ્રખ્‍યાત મંદિર મૂળી ખાતે આવેલા છે. સરાનું મેલડી માતાનું સ્‍થાનક અને ઉમરડાનું ૧૪૦ વર્ષ પુરાણું બીલેશ્વર મહાદેવનું મંદિર પણ દર્શનીય છે.

ધાંગધ્રા

ફલકું નદીના કાંઠે વસેલું આ શહેર ઝાલા રાજવીનું ગામ છે. ત્‍યાં રાજવીનો મહેલ સુરજમહેલ, ગેસ્‍ટ હાઉસ તરીકે ઓળખાતું મધુરભુવન, માન મહેલાત, જેગાસર તળાવ, માનસર તળાવ, શીતળા માતાજીનું મંદિર, ધાંગધ્રા કેમિકલ તથા પથ્‍થરમાંથી કલાત્‍મક કૃતિઓ કંડારતા સોમપુરા અહીંની શાન છે. કંકાવટીની માત્રી વાવ રક્ષિત સ્‍મારક છે. તાલુકાના ઘુમક ગામે દ્રૌપદીનાં કુંડ તરીકે ઓળખાતા પ્રાચીન કુંડ અને જુના મંદિરોના અવશેષો આવેલાં છે.