Customer care service of common man


એક સાવ સામાન્ય સ્થિતીના ભાઇ સુરેન્દ્રનગર એસ.ટી.ડેપોમાં કંડકટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. મર્યાદિત આવક અને બે દિકરા તથા એક દિકરીની જવાબદારી. આવી પરિસ્થિતીમાં પણ એમણે શરુ કરેલી એક
સેવાની નાની પણ પ્રેરણાદાયી પ્રવૃતિથી પરિચિત થવા જેવુ છે. સુરેન્દ્રનગર – અમદાવાદ રૂટની બસમાં કંડકટર તરીકેની એમની ફરજ. બપોરના 1 વાગે સુરેન્દ્રનગરથી બસ રવાના થાય અને સાંજે 7 વાગે પરત
આવે. એકવાર ઉનાળામાં બસમાં બેઠા બેઠા જ એમને વિચાર આવ્યો કે મને આ આકરા તાપમાં તરસ લાગે છે તો આ બસના મુસાફરોને પણ તરસ લાગતી જ હશે. એમા પણ નાના બાળકોને તો પાણીની પ્યાસ વધુ હેરાન કરતી હશે. મારે આ મુસાફરો માટે કંઇક કરવુ છે. એમણે એક નાનું સિન્ટેક્ષનું આઇસબોક્ષ ખરીદ્યુ. થોડી પાણીની બોટલ પણ ખરીદી. બસ ઉપડવાની હોય એ પહેલા પાણીની બોટલ ભરીને પેલા આઇસ
બોક્ષમાં ગોઠવી દે અને 10 રૂપિયાનો બરફ વેંચાતો લઇને બોટલની ઉપર બરફ રાખી દે જેથી પાણી ઠંડુ રહે. અમદાવાદથી પાછા આવતી વખતે પણ એ જ રીતે પાણીની બોટલો ભરીને રાખે અને 10 રૂપિયાનો બરફ પણ નાંખે. બસ ઉપડે એટલે બધાની ટીકીટ કાપી લે પછી ફ્રી થઇને બસના બધા મુસાફરોને ઠંડુ પાણી પાવા નીકળે. નાના બાળકોને પાણી પીવામાં તકલીફ ન પડે એટલે સાથે નાની પ્યાલી પણ રાખે અને
બાળકને આ પ્યાલીમાં પાણી ભરીને આપે જેથી એને પાણી પીવામાં સરળતા રહે. સરકારે આ માટે ક્યારેય એને વધારાનો કોઇ પગાર નથી આપ્યો કે એની સેવાને બીરદાવતો એક પત્ર પણ નથી લખ્યો અને છતાય આ માણસ એ જ ઉત્સાહ સાથે છેલ્લા 12 વર્ષથી દર ઉનાળામાં અનેક મુસાફરોના પેટ ઠારવાનું કામ કરે છે. વઢવાણમાં રહેતા હનિફભાઇ બેલીમની આ નિસ્વાર્થ સેવાભાવનાને કોટી કોટી વંદન. મિત્રો , મોટી મોટી કંપનીઓના ‘કસ્ટમર કેર’ નામના વિભાગોમાં ‘કસ્ટમર’ ની ‘કેર’ કરવાના બદલે શોષણ જ થાય છે ત્યારે
હનિફભાઇ જેવી વ્યક્તિઓ ‘કસ્ટમર કેર’ની સાચી વ્યાખ્યા એમના કાર્ય દ્વારા સમજાવી જાય છે.

1 comment: